વૃક્ષનો વીમો
આજે ગઈ’તી હું એલઆઈસીની ઑફિસમાં,
ઇન્સ્યોરન્સ લેવા, મારા પ્રિય ઝાડનું!
દેખાય આશ્ચર્ય ઓફિસરની આંખ મહી…
પૂછેઃ ‘ઇન્સ્યોરન્સ? એક ઝાડનું?’
પણ, એ માત્ર વૃક્ષ નથી,
વૃક્ષ રૂપે અવતરેલ ઋષી છે.
સ્વજન છે મારું…
એનો વીમો તો ઉતરાવાયને?
ચક્રવાત, વરસાદમાં એને કાંઈ થઈ જાય તો?
ઓફિસર પૂછે વીમાની કીમત…
કરો સરવાળોઃ
રોજ સવારે એનાં પાંદડાંમાંથી ચળાઈને આવતા સૂર્યનાં કિરણો દ્વારા મારા આંગણામાં પુરાતી રગોળી…
એ મસ્ત ઠંડક આપનારો છાંયડો…
પક્ષીઓનો કલરવ,
ખિસકોલીઓનો દોડાદોડ અને ઉછળકૂદ
વાંદરાઓનું તોફાન,
નવી ઊગતી કૂંપળનું વિસ્મય,
અને એક સ્વજનની હૂંફ!
ઓફિસર નિઃશબ્દ!
– વિરલ જોશી
Green Catalyst is proudly powered by WordPress